પ્રતિ-ગઝલ

ન બેસો શબ્દને વળગીને, એનો અર્થ તો જુઓ,
કરી છે વાત શું એ વાતનો સંદર્ભ તો જુઓ!

જે મારી બંસરી ધીક્કારતા એ માણવા લાગ્યા,
સુદર્શન હાથમાં લીધા પછીનો ફર્ક તો જુઓ!

જુઓ છો ફક્ત કાં ફળથી લચેલાં ઝાડવાં મારાં?
કર્યો ઉછેરવા પાછળ મેં એ સંઘર્ષ તો જુઓ!

હૃદયની આગથી પણ આંસુ ઓગળતાં નથી સ્હેજે,
આ મારી આંખમાં જીદે ચડેલો બર્ફ તો જુઓ!

એ ચ્હેરો જોઈ જૂના ઘા સબાકા મારવા માંડ્યા,
હરખઘેલું થયેલું મારું જૂનું દર્દ તો જુઓ.

હજી પણ હું મને શંકર ગણાવી ના શકું મિત્રો?
ગળે લટકી રહેલા આફતોના સર્પ તો જુઓ!

નથી પૂછ્યો મેં તમને મોક્ષનો રસ્તો ઓ પંડિતજી
હું ખાલી એમ કહું છું જિંદગીનું નર્ક તો જુઓ.

~ અનિલ ચાવડા

અગર શબ્દો ખરા જો વાપરો, સમજાય સૌને  અર્થ.
પછી કહેવું પડે નહીં, કે જુઓ આ વાતનો સંદર્ભ.

હતી વ્હાલી એ બંસી ને સુદર્શન ચક્ર પણ ગમતું.
નજર બદલો તો જાણો કે કદી ક્યારે ય ન્હોતો ફર્ક.

સદા માણ્યાં અમે તો બીજથી ફૂલો-ફળોનો સંગ
નથી મારું, નથી તારું, જીવનનું નામ છે સંઘર્ષ.

કહ્યું કોણે હૃદયની આગ બૂઝાવે આંખનું આંસુ?
ભલે દેખાય છે પાણી, પડેલા જખ્મનો
 છે બર્ફ.

અમારે તો સબાકા રોજ ને  ઘા પણ  ન થાય જૂનાં.
હજી તાજું જ લાગે એટલું, હમણાં મળેલું
  દર્દ.

પહેલાં ભેદ તો જાણો, શું કંકર  ને  છે શું શંકર?
બતાવો તે પછી સઘળી તમે સૌ આફતોના સર્પ!!

તમે કંડારશો કેડી નવી, તો મોક્ષ નહીં ચાહો .
પછી કહેશો, જુઓ, આ જીંદગી કેવી છે જાણે સ્વર્ગ !

–દેવિકા ધ્રુવ

૪/૨૧/૨૦૨૪

નજર ઉતારે છે !

સવાર ને સાંજ ગગનગોખમાં રોજરોજ દીવા થાય છે, ધરતી પણ ખબર ન પડે તે રીતે, રોજરોજ ગરબા ગાય છે. સતત ચાલતી કુદરતની આ પૂજામાં જાણે રિયાઝનો સૂર સંભળાય છે. પણ આજે  તો દિવસે અંધારું થયેલું જોયુ!!
આકાશમાં સંપૂર્ણ સૂર્યગ્રહણ
થયું, ત્યારે મનમાં થયું; ઓહોહોહો……
ચંદ્રનું આવરણ કરીને દિવસે અંધારું કરતો આ અનોખો ખેલ તો જુઓ!! જાણે કોઈ પૃથ્વીની નજર ઉતારે છે !

******************************************************************************************

સવાર ઊગે ને સાંજ ઢળે, કોઈ નભને ગોખે, દીવડાઓ પ્રગટાવે છે.
આકાશ,વાદળ સંગ મળી, કોઈ પાઠપૂજાનાં, મધુર ગીત ગવડાવે છે.

ગજબ ગવૈયો રિયાઝ કરતો
થનગન થનગન ધરા ફેરવતો,
નિત્ય નજારા નવા ચીતરતો
આવનજાવન કરતો જાણે, વિસ્મયતાલ પૂરાવે છે.
કોઈ ગગનગોખમાં દીવડાઓ પ્રગટાવે છે.

કદીક મંગલ મંડપ ગૂંથે,
કદીક વિનાશી તાંડવ ખેલે.
વળી કદી ગ્રહ-તારક ગ્રાસે.
ચાંદનું આવરણ કરીને જ્યારે સૂરજને એ ગ્રાસે છે;
અહો, લાગે ત્યારે જાણે, નજર પૃથ્વીની ઉતરાવે છે!

થોભ્યાનો થાક!

થાક ક્યારે લાગે? જ્યારે ખૂબ કામ કર્યું હોય ત્યારે એમ સામાન્ય રીતે માનવામાં આવે છે. પણ એ વિધાન સંપૂર્ણપણે સાચું છે ખરું? મન ગમે તે રીતે ગમતું કરવા તરફ જ વળે છે. ક્યાં થોભે છે?!
કદાચ થોડીવાર થોભી જાય કે થોભવું પડે, પણ Passionની તાકાત! ગજબની છે.

*************************************************************************

થોભ્યાનો થાક હવે લાગે સખી મુને, થોભ્યાનો થાક કેમ લાગે?

સરસરતી ક્ષણો તો ઊડઊડતી જાયે,
ને ડગમગતી નૈયાયે થરથરતી ભાસે.
પણ કેમ કરી મનવું આ મનડાના મોરને,
એને થનગનતું નર્તન ને કળા જ ભાવે..
થોભ્યાનો થાક હવે લાગે સખી મુને, થોભ્યાનો થાક મને લાગે.

છેક ઊંડેથી એક સખી આજ જરા હાલી
હળવેથી બોલી એ આંગળીને ઝાલી,
“જે ઝંખે છે પગલાં એ કેડી છે સામે,
કેમ આમ ભૂલે ને મોજ નહિ ચાખે?”
સખી, ત્યાં તો થોભ્યાનો થાક જાય ભાગે, દૂર ભાગે
!
સખી મુને, સરિતા સમ વહેવાનું ફાવે.

સંપૂર્ણ સૂર્યગ્રહણ.

સંપૂર્ણ સૂર્યગ્રહણ

 ક્યારે અને શું થવાનું છે?

 એપ્રિલ,૮ ૨૦૨૪ ના રોજ, સંપૂર્ણ સૂર્યગ્રહણ સીધું ટેક્સાસ પરથી પસાર થશે. તેની  ખૂબ અસર, સાન એન્ટોનિયો, ઓસ્ટિન, ફોર્ટવર્થ અને ડલાસના કેટલાક ભાગોમાં જોવા મળશે, તેનું કારણ એ છે કે, તે  ઉત્તર-પૂર્વ (નોર્થ-ઇસ્ટ) તરફ ફરવાનું છે.

આનું આટલું બધું મહત્ત્વ કેમ છે?

કારણ કે, આવું ગ્રહણ ભાગ્યે જ થાય છે. દર ૩૭૫ વર્ષે એક જ વાર ધરતી પરના કોઈપણ બિંદુ પરથી પસાર થાય છે. આને કારણે ટેક્સાસ કે જેને ‘લોન સ્ટાર સ્ટેઇટ કહેવાય છે, ત્યાં ૧ મિલિયન લોકો આવશે તેમ જાણવા મળ્યું છે. પરિણામે ટેક્સાસના તે શહેરોમાં ટ્રાફિક, રહેવાની વ્યવસ્થા, ખોરાક તથા ગેસ વગેરે સપ્લાય પર અસર થશે.

આ દિવસે સૌએ તૈયાર રહેવું પડશે. બહાર નીકળતી વખતે રોજના સમય કરતાં વધારે વહેલાં નીકળવું પડશે. જો કે, કેટલીક શાળાઓ તો આને કારણે બંધ રહેશે.  સ્કુલ તરફથી આવતી સૂચનાઓ સાંભળતા રહેવું પડશે.

સલામતીનું પણ ધ્યાન રાખવાનું છે.

 સૌથી પહેલાં તો એ કે, આ દિવસે સૂર્ય તરફ સીધું જોવું ખૂબ જોખમી છે. ગ્રહણ સમયે   ચંદ્ર સંપૂર્ણપણે સૂર્યને ઢાંકી દે છે અને દિવસ અંધકારમય બની જાય છે. આ ભાગ્યે જ થતી ઘટના છે. સૂર્ય તરફ સીધું જોવાથી સંભવ છે કે, આંખને નુક્સાન પહોંચે. તો એવું ન બને તે માટે ખાસ ગ્રહણ માટે બનાવેલા ચશ્મા પહેરો. આપણા સામાન્ય ‘સનગ્લાસ’નહિ ચાલે. ગ્રહણ માટેના આ ચશ્મામાં ખાસ લેન્સ હોય છે; જે  સૂરજના નુક્સાન કરતાં તેજકિરણોને આંખોમાં પ્રવેશતા અટકાવે છે. શ્રેષ્ઠ ગુણવત્તાવાળા આ ચશ્મા તેના પેકેટ ઉપર ( ISO Compliance Label) ‘આઇએસઓ કમ્પ્લાયન્સ લેબલ’ રાખશે, તેથી ખરીદ કરતી વખતે લેબલ તરફ ખાસ નજર કરશો.

ટેક્સાસમાં  સૂર્યગ્રહણઃ
 ૮ એપ્રિલ ૨૦૨૪, સોમવાર .

ગ્રહણ શરૂ થવાનો સમયઃ ૧૨.૧૬ પીએમ.

સંપૂર્ણ ગ્રહણની શરૂઆતઃ ૧.૩૫ પીએમ.

પૂરેપૂરું ગ્રહણઃ ૧.૩૬ પીએમ.

ગ્રહણ બંધ થવાનો સમયઃ.૧.૩૭ પીએમ.

 આમ, સંપૂર્ણ સૂર્યગ્રહણની પ્રક્રિયા કુલ ૨ મિનિટ અને ૩૯ સેકંડ સુધી રહેશે. 

અને શરૂઆતથી અંત સુધીનો સમય ગણીએ તો ૨ કલાક ૪૦ મિનિટ અને ૫૨ સેકંડ સુધીનો.
મહત્તમ મેગ્નીટ્યુડ – 1.01 કદનો રહેશે.

હવે એક જૂની  ધાર્મિક માન્યતા મુજબ પણ જોઈ લઈએ.

સૂતક શરૂ થાય છે – 10:43 PM, એપ્રિલ 07

(બાળકો માટે વૃદ્ધો માટે અને બીમાર વ્યક્તિઓ માટે સૂતક શરૂઆત – 07:11 AM)

સૂતક સમાપ્ત થશે – 02:57 PM

સૂર્યગ્રહણના આ બધા સમય, અમેરિકાના ટેક્સાસ (CST) અનુસાર લખવામાં આવ્યા છે. ભારતના પંચાંગ સાથે નથી. તેથી ગોટાળા ન કરશો, પ્લીઝ.

જે દેશ અને સ્થાન પર પૂજા, પ્રાર્થના, વિધિ વગેરે કરવામાં આવે છે તેના સમય મુજબ જ મહુરતનો (મુહૂર્ત) સમય જોઈ લેશો અને તે પ્રમાણે જ પાલન કરશો.

***************************************************************************************

મળેલી માહિતીને આધારેઃ

April 8, 2024

*total solar eclipse* 

What is happening?

On April 8, 2024, a total solar eclipse will pass directly over Texas. The full effects will be seen over parts of San Antonio, Austin, Fort Worth and Dallas as it travels on its north-easterly path.

Why it matters:

This rare eclipse passes over any point on Earth only once every 375 years. It is expected to bring 1 million people to the Lone Star state. This influx may affect traffic, lodging and food and fuel supplies. Be prepared and allow plenty of additional time for travel, if necessary

Also, some schools are closing for the event (check your local listings).

Safety first:

Please put safety first. Looking directly at the sun is very dangerous, even when the moon completely covers the sun and the day turns dark.

Wear quality eclipse glasses to view this rare event safely and avoid potential temporary or permanent eye damage. Your normal sunglasses won’t do the job.

Eclipse glasses have special lenses that block harmful radiation from entering your eyes. The best quality eclipse glasses will carry an ISO compliance label on their packaging, so look for this when purchasing.

—————————————————

Solar Eclipse સૂર્ય ગ્રહણ in Texas

8th April 2024

Monday / સોમવાર

Eclipse Start Time – 12:16 PM

Total Eclipse Start Time – 01:35 PM

Maximum Eclipse Time – 01:36 PM

Total Eclipse End Time – 01:37 PM

Eclipse End Time – 02:57 PM

Total Eclipse Duration – 02 Mins 39 Secs

Total and Partial Eclipse Duration – 02 Hours 40 Mins 52 Secs

Maximum Magnitude – 1.01

Sutak Begins – 10:43 PM, Apr 07

(Sutak for Kids, Old and Sick Begins – 07:11 AM)

Sutak Ends – 02:57 PM

All Solar Eclipse  times are written according to Texas (CST) of America 🇺🇸 🙏🏻 Don’t confuse with India’s Panchang 🙏🏻 (Muhurta should be followed according to the country and place where worship/rituals are performed)

એવું કોઈ ઘર હોય?

એવું કોઈ ઘર હોય?

‘ઘ’ ને કંઈ નહીં  ‘ઘ’
અને ‘ર’ ને કંઈ નહીં ‘ર’
પણ ઘરને ‘કંઈ જ નહીં’, એવું  તે કોઈ હોય ઘર?

ઘટ મળે, ઘટના બને, 
ઘટમાળની ઘમસાણ ચગે, તે છતાં
રસલહાણ વહે, એવું બધું જ્યાં જ્યાં મળે, ત્યાં હોય  ઘર.
ઘરને ‘કંઈ જ નહીં’, એવું  તે કોઈ હોય ઘર?

રંગો નવા નિત્યે મળે,
રડવું -હસવું બેય બને, રોજનો રઘવાટ રહે,
કાનો-માત્ર, રસ્વ,દીર્ઘ, પ્રશ્ન -આશ્ચર્ય 
‘આ,ઈ,ઊ’ની રમખાણ મચે ને તે છતાં,

રુદિયે રેશમ ભાવ મળે, એવી બારાખડી
જ્યાં જ્યાં મળે ત્યાં હોય ઘર.

ઘરને ‘કંઈ જ નહીં’, એવું  તે કોઈ હોય ઘર?
ઘરમાં જ વિશ્વ મળે ને વિશ્વ આખુંયે લાગે ઘર
બસ, સુસજ્જ માળા જેવું હૂંફાળું હોય ઘર!!
ઘરને ‘કંઈ જ નહીં’, એવું  તે કોઈ હોય ઘર?

પુસ્તક પરિચય અને સર્જકો સાથે સાંજ..

ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન(gujaratisahityasarita.org)ને આંગણે એપ્રિલ ૨૭મીએ ‘સર્જકો સાથે એક સાંજ’ કાર્યક્રમ યોજવામાં આવેલ છે. આ સમયે અમેરિકાવાસી ગુજરાતીઓની અનુભવકથાઓના સંગ્રહ ‘સ્મૃતિસંપદા’નું વિમોચન કરવામાં આવશે. તેમાં જોડાવા સૌ ચાહકોને ભાવભર્યુ આમંત્રણ.

‘સ્મૃતિસંપદા’માં જેમની કૃતિઓ પ્રગટ થઈ છે, તે પંદર લેખકોમાંથી મોટાભાગના આ કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉપરાંત સૌના માનીતા અને જાણીતા કવયિત્રી પન્ના નાયક અતિથિવિશેષ તરીકે હાજરી આપશે. સૌને મનગમતા એવા બીજા કેટલાક લેખકો પણ જોડાશે તેવી આશા છે.

આ સાથેના ફ્લાયરમાં સંપર્ક માટેની તથા અન્ય વિગતો છે.

સંસ્થાના પ્રમુખ શ્રી નિખિલભાઈ મહેતા અને કાર્યવાહક સમિતિ વતી આ કાર્યક્રમમાં જોડાવા માટે સૌ રસિકોને આમંત્રણ છે.

‘નવનીત સમર્પણ’માં પ્રકાશિત કવિતાઃ વંટોળ

આજની સુંદર સવારે આનંદના સમાચાર.ઃ જાન્યુઆરીઃ ૨૦૨૪

‘નવનીત સમર્પણ’ના ફેબ્રુઆરી ‘૨૪ ના અંકમાં નીચેની કવિતા પ્રકાશિત થવા પામી છે..

વંટોળઃ દેવિકા ધ્રુવ

શિખરિણી છંદઃ-૧૭ અક્ષર-

ફરે, ઘૂમે,ઊડે, સતત મનની ખીણ મહીં એ,

કદી સૂતી જાગે સળવળ થઈ ખૂબ ઝબકે.

વળી સ્પર્શે, ખેંચે, રજકણ વિચારોની ચમકે.

અને ઘેરે શબ્દે, નીરવ રજનીનાં વનવને.

ચડે વંટોળે એ ઘમરઘમ ઘૂમે વમળ શું,

ઊંચે નીચે થાતું, સઘળું વલવાતું હૃદયનું.

પછી ધીરે આવે સરવર પરે શાંત જલ થૈ

મઢી ચારેકોરે મખમલ સમી સેજ બિછવે.

ભળે એવું ધીમે જલકમલ જેવું સ્થિર કશું

કહું,પૂછું ત્યાં તો પરવશપણે ખેંચતું બધું.

મિટાવી ચિંતાઓ, કરકમલ લેખિની ધરીને,

જગાવી શક્તિ સૌ તનમન શ્વસે પ્રાણ દઈ દે.

કશું ના જાણું હું, કલમ કરતાલે રણકતું,

અહો, કેવી લીલા કવનકણથી એ શમવતું..

–દેવિકા ધ્રુવ

************************************

જ્યારે વિચારોના વંટોળ ઊડે ત્યારે રાત્રિના શાંત અંધકાર વચ્ચે નાનકડી સોનેરી આશાની રજકણ ઝબૂકે ને પછી મન શાંત થઈ જંપે એ ભાવને વ્યક્ત કરતી, શિખરિણી છંદમાં ગૂંથેલ રચના….

પોષીપૂનમનો ચાંદ.

પોષીપૂનમનો ચાંદ.

કેટલો સ્વતંત્ર છે!

સ્વતંત્ર છે?!

વિશાળ આકાશમાં ફરે છે.

પણ એનેય રૂપ, કદ, તેજ અને આકાર

બદલવાં પડે છે.

લાગે છે બિન્દાસ

પણ નિયતિનાં બંધન એને પણ છે જ.

ઊગવું અને આથમવું.

વાદળો વચાળે ઘેરાવું, તરવું,

તોયે પ્રકાશિત રહેવું.

ધરાને નીરખતાં રહેવું.

પ્રેમથી તેજ ફેલાવતા રહેવું.
શું હશે આ ગુલાબી કળાનું રહસ્ય?

 કદાચ મુક્ત બંધન.

નિત્યનીશી-૨ઃ ચંદરવો-૭

ઑગષ્ટ, ૨૦૨૩

આજે સવારે ‘શાવર’ દરમ્યાન એની ધારાઓ વચ્ચે એક વિચાર ઝબક્યો. કદાચ કાલે રાત્રે બેકયાર્ડમાં મોડા સુધી આકાશના તારાઓ જોતી રહી હતી તેથી જ હશે. ભીતરથી કશુંક તારાઓની જેમ કહેતું હતુંઃ

I like to shine by own light.

બીજું કારણ કદાચ એ પણ હોઈ શકે કે, કાલે રાત્રે I love Lucy નો એક જૂનો ‘ઍપીસોડ જોતાં હતાં; જેમાં લ્યુસી એક નીરવ શાંત જગાએ રાત્રે સૂતાં સૂતાં બોલે છે કે, OMG this peace is SOOO noisy!! લ્યૂસીનો સ્વભાવ બહુ બોલકો છે એટલે શાંતિ એને અકળાવનારી લાગે છે, પણ જરા ઊંડાણથી વિચાર્યું તો એ વાક્યમાંથી કેટકેટલા અર્થો નીકળી આવ્યા! કેવો વિરોધાભાસ અને છતાં કેટલો અર્થસભર! શાંતિમાં કદી ઘોંઘાટ હોય?

જંગલમાં વસ્તી ન હોય તેથી આમ તો શાંતિ હોય, પણ એ શાંતિ, એ મૌન પણ કેટલું બોલકું હોય છે! પ્રકૃતિના એક એક તત્વો શાંત છે પણ એમાં વાતોનો ખજાનો છે. પશુ-પંખી, ઝાડ-પાન, ઠંડી-ગરમી, વાદળ-વરસાદ, આભ-ધરતી, ચાંદ-સૂરજ, પર્વત-ઝરણાં, નદી-સાગર, વસંત-પાનખર, રસ્તા-વાહન…આ બધાં જ વચ્ચે સતત મૌનસંવાદ ચાલુ જ હોય છે અને તે દરેકનું કામ નિર્ધારિત સમયે અને સ્થળે થયાં જ કરતું હોય છે. નવાઈની વાત તો એ કે, ત્યાં કશે વાણીનો વ્યવહાર નથી. વિચારતાં વિચારતાં ઘણાં વિસ્મયો મળે છે અને વળી વધારે ઊંડા ઉતરતાં જતાં એમાંથી જ જવાબો પણ જડે જ છે.

વળી જવાબો પણ પાછા વ્યક્તિએ વ્યક્તિએ જુદાજુદા. કોઈને ડર લાગે તો કોઈને સૌંદર્ય દેખાય. કોઈને વિસંવાદ વર્તાય તો કોઈના હૈયાંમાં સંવાદિતાના સૂરો ગૂંજી ઊઠે. જેવી જેની દૄષ્ટિ એ મુજબ એનું સંવેદનાતંત્ર ખળભળે.

કુદરત અને જીવન ક્યાં જુદાં છે! ફરક માત્ર એ છે કે, એકમાં વાણીનો કોલાહલ છે તો બીજામાં શાંત કોલાહલ. લ્યૂસીની Noisy peace! એટલે જ પ્રશ્ન એ થાય છે કે, માણસને વાણી કેમ મળી હશે? જરૂર છે એની? ઘણીવાર એનો દૂરુપયોગ થતો હોય છે અથવા તો પછી વાણીને કારણે જ ગેરસમજો થતી જોવા મળે છે.

-હજી આગળ વિચારું ત્યાં તો ફોનમાં એક Reminding message “ડીંગ’ થયો. સાંજે પડોશીઓ સાથે રમત-ગમત અને સામૂહિક ભોજન છે. ગઈ વખતે મઝા આવી હતી તેથી જવું ગમે છે. અલગઅલગ દેશના પડોશીઓ એક જગાએ ભેગાં થાય ત્યારે વિશ્વ વચ્ચે બેઠાં હોઈએ તેવું લાગે. જાણે ‘કોરીકટ પાટી પર એકડો’. ઘણું નવું શીખવા/જાણવા અને માણવા મળે.

ફરી પાછો એક message? ઓહ.. હજી કાલે તો એક મિત્રની વિદાયના સમાચાર હતા અને આજે ફરી બીજા? ઉપરાછાપરી અચાનક બે મિત્રોની વિદાયના સમાચાર સાંભળવામાં આવ્યા.

એક તો એચ.કે.કોલેજમાં એક જ બેંચ પર સાથે બેસીને સંસ્કૃતનો અભ્યાસ કરેલ મિત્ર અને બીજા જેમણે થોડા વખત પહેલા મારી એક ગઝલનું સ્વરાંકન કરી પોતે ગાયું પણ હતું તે. જીવનની આ આવનજાવન કેવી છે? કદાચ એ જ તો એનો મતલબ છે. ખેર!

–આટલું લખ્યા પછી રોજિંદા દૈનિક કામોમાં પરોવાઈ ગઈ. દિવસ ઝડપથી પૂરો થઈ ગયો, છેક અત્યારે રાતના સમયે આ સવારની અધૂરી રહેલી ડાયરી લઈને બેકયાર્ડમાં બેઠી. હવે આ એક નિયમ થઈ ગયો છે. આ ઋતુમાં છેક ૯ વાગ્યા સુધી અજવાળું રહે છે. ઉઘડતી સવારની જેમ જ પડતી જતી રાત- કહું કે, ઊતરતા જતા અંધકારના ઓળા પણ જોવા ગમે છે; એટલે લખવાનું આગળ વધારું તે પહેલાં તો ફરીથી ખીલતા તારાઓની ચમક તરફ ખેંચાતી ગઈ. સવારના ‘શાવર’ દરમ્યાન એની ધારાઓ વચ્ચે આવેલો પેલો વિચાર મનમાં હલચલ મચાવતો રહ્યો. જાણે કશુંક બહાર આવવાની તૈયારીમાં હતું.
I like to shine by own light.
Neither from Moon at night
Nor from Sun’s daylight.
Just deep inner of own sight…

સામેના તળાવના તળિયેથી ચારેબાજુ ફૂટતી જતી ફુવારાની રંગીન ધાર અને એનાં સહસ્ત્ર ટીપાંઓની જેમ વિચારો મનમાં ગોળગોળ ઘૂમરાયા કરે છે. બસ એમ જ. હવે એને જ પડવા અને સ્વયં પ્રસરવા દઉં એમ વિચારી આ ડાયરી બંધ કરું. ફરી ક્યારેક ખોલીશ. ક્યારે? ક્યાં ખબર છે?!!ઉઘાડવાસ ચાલ્યા જ કરશે. આભલે ટમટમતા તારાઓના ચંદરવાની જેમ…જીવનની જેમ.

—દેવિકા ધ્રુવ

ઑગષ્ટ ૨૦૨૩

નિત્યનીશી-૨ ચંદરવોઃ ૬

નિત્યનીશી ૨.

ચંદરવો -૬   :    દેવિકા ધ્રુવ         :    ફુલશીયર, હ્યુસ્ટન

જુલાઈ, ૨૦૨૩

ડાયરીનું પાનું ખોલું તે પહેલાં વિચાર્યું હતું કે, પૉર્ટલેન્ડના પ્રવાસ અંગે લખવું છે. પણ શરૂ કરવા બેઠી છું ત્યારે હવે આંખ સામે પહેલું જે દૄશ્ય આવે છે તે સવારમાં ખુલ્લાં ખેતરોમાં ચરતી ગાયોનાં ધણનું. એ ચિત્રને ડાયરીમાં દોરવાનું એક વિશેષ કારણ છે.

અત્યાર સુધીમાં પશુ-પંખી-પ્રાણીઓનાં વાણીવિહીન જગતની, વ્યવહારની, એકબીજાંની કાળજી વગેરે વિશે ઘણું બધું વાંચ્યું છે, જાણ્યું છે અને અવલોક્યું પણ છે. પરંતુ ગાયોની કડક શિસ્તબદ્ધતા જિંદગીમાં પહેલી વાર, નજર ન ખસેડી શકાય તે રીતે સતત ચાળીસેક મિનિટ સુધી જોવા/માણવા મળી. એમાં એવું હતું કે, લગભગ ૨૦૦થી પણ વધારે ગાયો તેમની નક્કી કરેલ જગાએ જઈ રહી હતી. સૌથી પ્રથમ એક ગાય, લીડરની જેમ આગળ ચાલે; તેની પાછળ પાછળ દસેક ગાયો ચાલે. થોડે આગળ જઈને પેલી પહેલી ગાય પાછું વળીને ત્રાંસી નજરે જુએ અને ઊભી રહે. પછી પાછળની દસે ગાયો આવી જાય એટલે તેમની સાથે એ થોભે. જ્યાં સુધી પાછળની બીજી ગાયોની લીડર-ગાય ચાલવાની શરૂઆત ન કરે ત્યાં સુધી રાહ જુએ. જેવું બીજું ગ્રુપ ચાલવાની શરૂઆત કરે તે પછી જ એ પહેલું ગ્રુપ આગળ ચાલે. એ પ્રમાણે એક પછી એક બધી ગાયો અનુસરે. બરાબર એ જ રીતે એ બધી ગાયોનાં લગભગ ૨૦-૨૨ જેટલાં ગ્રુપ્સ બને અને બધાં જ ખૂબ વ્યવસ્થિત, હારબંધ અને શિસ્તબદ્ધ રીતે ચાલે. જોવાનું એટલું આશ્ચર્યજનક લાગે કે વાત નહિ. પછી એક નાનકડું વાછરડું ઘણે દૂર રહી ગયું હતું તો છેલ્લાં ગ્રુપની લીડર-ગાય પાછી વળીને વાછરડાને લઈ આવી. વળી ત્યાં સુધી તેનું ગ્રુપ પણ રાહ જોતું ઊભું રહી ગયું હતું! ઓહોહોહો.. અદ્ભૂત દૄશ્ય જોવા મળ્યું. આ તે કેવી સમજણ! કેટલી નૈસર્ગિક ચેતના! ઘડીભર લાગે કે જાણે શિક્ષકો પોતપોતાના વર્ગના વિદ્યાર્થીઓને દોરી જતા ન હોય! તે પછી તો ઈશ્વરની આ લીલા પર, મૂંગા વિશ્વના વિસ્મયો પર વારી જવાયું. માનવીને વાણી શું કામ મળી હશે?! એવા  કંઈ કેટલાયે વિચારો મન પર સવાર થઈ ગયા.

બીજી તરફ  નજર પડી કે, કેટલાક લોકો માત્ર ફેમિલી માટે જ ખેતી કામ કરતા હતા. કશું ધંધાકીય નહિ. એકદમ વ્યવસ્થિત. લીલી અને તાજી ભાજી ઉગાડે, રોજ ભોજન પૂરતી ચૂંટે. રોજેરોજ સવાર-સાંજ નિયમિત કાળજીપૂર્વક જતન કરે. વિવિધ પ્રકારની ‘Berry’-Blueberry, Strawberry, Blackberry અને લીલી  grapes પણ જોવા અને ચાખવા મળી. તે લોકોની પાસે તો જઈ શકાયું અને બધી વાતો સાંભળતાં સાંભળતાં  મોસાળમાં માણેલા ગામનું દૄશ્ય ખડું થઈ ગયું. અતિ પ્રેમાળ બા(નાની)ની યાદો પણ ફરકી ગઈ.

આ બધું ડાયરીમાં લખતાં રહેવાનું ખાસ કારણ એ છે કે, સમયની સાથે એટલે કે, ઉંમરની સાથે ઘણું બધું ભૂલાઈ જાય છે. ક્યારેક કશું યાદ કરવું હોય તો યાદોને ખેંચી, ઢંઢોળી, પાછળની કડીઓ સાંધીસાંધી છેવટે જે જોઈતું/કહેવું/માણવું હોય છે તેને, જે તે સમય અને પ્રસંગની સાથે ફરી પાછું નજર સામે લાવવું પડતું હોય છે. એટલે ફોટો-આલ્બમની જેમ ડાયરી તો તરત બધું હાજરાહજૂર કરી દે છે તે ફાયદો કંઈ ઓછો નથી! અને ભવિષ્યમાં કોઈ વાંચે તો એ વળી બીજો plus point!

જુલાઈ  , ૨૦૨૩

-થોડા દિવસ પહેલાં એક અણધાર્યા સમાચાર ફોનમાં “ડીંગ” અવાજ સાથે મળ્યા; વલીભાઈ મુસાની વિદાયના. હવે તો એ ઘટનાને બે અઠવાડિયાં વીતી ગયાં. છેલ્લાં થોડાં વર્ષોમાં સાહિત્યજગતે ઘણા સર્જકો ગુમાવ્યા. બધા જ અવારનવાર યાદ આવે છે અને જેમની સાથે વિશેષ પરિચય થયો હોય તેમને માટે તો આંસુ સરે જ. વલીભાઈ તેમાંના એક હતા. ‘હતા’ શબ્દ લખવાનું આકરું લાગે છે. યોસેફ મેકવાનના સમાચાર પણ આમ જ મળ્યા હતા. ભારતની મુલાકાત દરમ્યાન એ બંનેને મળવાનું બનતું રહેતું. વલીભાઈ એક અચ્છા ઇન્સાન હતા, એક સારા સાહિત્યકાર હતા અને ઉમદા મિત્ર પણ હતા. ભાઈ શ્રી નવીન બેંકરના તો નિકટના મિત્ર એટલે દિલ ખોલીને બંને એકબીજા સાથે વાતો કરતા. હવે બંને મળી ત્યાં ઉપર એકબીજાને પ્રેમથી ભેટીને મળશે અને સાહિત્યગોષ્ઠી કરશે એ વિચારે આંખો ભીંજાય છે. આ વિચાર પણ કેવો છે! એક પ્રકારની શ્રદ્ધા જ ને? બાકી જનારા કોણે આવીને કહ્યું કે ઉપર ગયા પછી  શું થાય છે? સ્વર્ગ અને નર્કની કલ્પના જ છે, બાકી ખરેખર તો બધું અહીં જ છે અને મૃત્યુ તો, મૃત્યુ પછીના જીવનનો એક પડદો જ કહી શકાય-જો નવો જન્મ અને જીવન હોય તો-

નવીનભાઈના ઉલ્લેખે અને  નજીકમાં આવતી રક્ષાબંધનના વિચારે, યાદો વધુ ઘેરી બની ડાયરી ભીની કરે તે પહેલાં અહીં જ થોભવું પડશે. ખુદા વલીભાઈની  રૂહને જન્નત બક્ષે એ જ દુઆ સાથે…ઓહ..ફરી પાછી એ જ કલ્પના અને શ્રદ્ધા “જન્નત”ની…

અસ્તુ.

જુલાઈ ૮, ૨૦૨૩

—દેવિકા ધ્રુવ

જુલાઈ ૨૦૨૩